ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
Navsari: નવસારી પોલીસ કર્મચારીઓના તેજસ્વી બાળકોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા. નવસારી : નવસારી ટ્રાફિક પોલીસ ભવનમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના હસ્તે વેલફેર ફંડમાંથી પોલીસ કર્મચારીના તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા પોલીસ દ્વારા વેલફેર ફંડ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪ વર્ષના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના કર્મચારી અને અધિકારીઓના ૩૨ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧.૫૫ લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.પી. સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી એસ.કે. રાય, પટેલ તથા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એચ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.